ટેક્નોલોજી ઉદ્યોગમાં છેલ્લાં દસ વર્ષમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે અને હવે સેક્ટરમાં છટણીએ ચિંતા વધારી છે. ટ્વિટર બાદ સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પણ મોટાપાયે છટણીના સમાચારમાં છે. એક રિપોર્ટ અનુસાર, માર્ક ઝકરબર્ગની કંપની મેટાને આ અઠવાડિયે મોટી છટણીનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટ અનુસાર, આગામી બુધવારે એટલે કે 9 નવેમ્બરે મેટામાં સામૂહિક છટણીની વાત થઈ હતી. હવે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ 11,000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે.
મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે આજે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હું મેટાના ઇતિહાસમાં કેટલાક સૌથી મુશ્કેલ ફેરફારો શેર કરી રહ્યો છું.” મેં અમારી ટીમનું કદ લગભગ 13% ઘટાડવાનું નક્કી કર્યું છે અને કંપનીમાંથી અમારા 11,000 થી વધુ પ્રતિભાશાળી કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે.
ઝકરબર્ગે જણાવ્યું હતું કે, “અમે ખર્ચમાં ઘટાડો કરીને અને Q1 દ્વારા અમારા હાયરિંગ ફ્રીઝને લંબાવીને વધુ કાર્યક્ષમ કંપની બનવા માટે ઘણા વધારાના પગલાં લઈ રહ્યા છીએ.” બજેટમાં મોટા કાપની તૈયારીઓ ચાલી રહી છે. નોંધપાત્ર રીતે, ડિજિટલ એડવર્ટાઇઝિંગની આવકમાં તીવ્ર ઘટાડો થવાને કારણે કંપનીએ આ પગલું ભરવું પડ્યું.
WSJના રિપોર્ટ અનુસાર, META જે કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે તેમને 4 મહિનાનો પગાર આપવામાં આવશે. કંપનીના માનવ સંસાધનના વડા, લૌરી ગોલરના જણાવ્યા અનુસાર, છૂટા કરાયેલા કર્મચારીઓને 4 મહિનાના પગાર સાથે વળતર આપવામાં આવશે. કંપનીના 18 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી છટણી છે.