મુન્દ્રાના ગુંદાળા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા છે.મોઢા અને ગુંદાળા વચ્ચેની કેનાલમાં કામ કરતા મજૂર પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કેનાલમાં ડૂબી ગયેલા લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. મૃતકના સ્વજનો સહિત સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગુંદલા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલની બાજુમાં ખેતરમાં કામ કરતી પરિવારની મહિલા કેનાલમાં કપડાં ધોવા ગઈ હતી, તે દરમિયાન મહિલાનો પગ લપસી જતાં પરિવારની અન્ય એક મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. પરંતુ બંને મહિલાઓ કેનાલમાં ડૂબી જતાં પરિવારના પુરુષો પણ તેમને બચાવવા કેનાલમાં કૂદી પડ્યા હતા. એકબીજાને બચાવવા ગયેલા પરિવારના પાંચ સભ્યો કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કેનાલમાં ડૂબી ગયેલા મજૂર પરિવારના પાંચ સભ્યોને બહાર કાઢ્યા હતા, જેમાં તમામ લોકોના મોત થયા હતા.ઘટના બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાં રાજેશ ખીમજી 30, કલ્યાણ દામજી 23, હીરાબેન કલ્યાણ 20, રસીલા દામજી 18 અને સવિતાબેન રાજી 25નો સમાવેશ થાય છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને એકસાથે પાંચ લોકોના મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે.