વલસાડ: ગુજરાતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને જાણીતા ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે વલસાડમાં રેલી યોજી હતી. પરેશ રાવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર અનેક મુદ્દે પ્રહારો કર્યા હતા.
તેમણે જિલ્લામાં ભાજપનો પ્રચાર કર્યો હતો. તેમણે વલસાડના ગુંદલાવ ખાતે વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલના સમર્થનમાં જાહેરસભાને સંબોધી હતી. પરેશ રાવલને સાંભળવા માટે વલસાડ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ચૂંટણી પ્રચાર માટે જિલ્લામાં આવેલા પરેશ રાવલનું લોકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન પરેશ રાવલે પોતાની આગવી શૈલીમાં કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. પરેશ રાવલે રાહુલ ગાંધીને રાજકારણી નહીં પણ પ્રવાસી ગણાવ્યા. પરેશ રાવલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલને જુઠ્ઠા કહ્યા. આમ પરેશ રાવલે સભામાં ઉપસ્થિત લોકોને ભાજપના ઉમેદવાર ભરત પટેલને સમર્થન આપી જંગી માર્જીનથી જીતાડવાની અપીલ કરી હતી.