HomeGujaratવડોદરામાં કેજરીવાલનો હુંકાર-તમે મને વોટ આપજો, હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઇશ

વડોદરામાં કેજરીવાલનો હુંકાર-તમે મને વોટ આપજો, હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઇશ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના 2 દિવસીય ગુજરાત પ્રવાસ માટે ગઈકાલે 6 ઓગષ્ટે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત પાર્ટી ના ઘણા નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

વડોદરામાં અરવિંદ કેજરીવાલએ આદિવાસી સમાજ માટે કેટલીક મહત્વની જાહેરાતોની ઘોષણાઓ વિશે મીડિયા ને જાણકારી આપતા કહ્યું કે, અત્યાર સુધી ગુજરાત ની જનતા તરફ થી જેટલો પણ પ્રેમ મળ્યો હું તેનો આભારી છું. આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્તિ ધરાવનાર પાર્ટી છે. અમને ઝગડો કરતા કે વાણીવિલાસ કરતા નથી આવડતું. અમે લોકો ના મુદ્દાઓ પર રાજનીતિ કરીએ છીએ. આમ આદમી પાર્ટી એ એવી પહેલી પાર્ટી છે જે ચૂંટણી સમયે પણ લોકોના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે, અને એવા મુદ્દા જે આજ સુધી 75 વર્ષના આઝાદ ભારતના ઈતિહાસ માં કોઈએ નથી ઉઠાવ્યા. સ્કૂલ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, રોડ રસ્તા તેના પર આજ સુધી કોઈ પાર્ટી એ વાત નથી કરી.

અત્યાર સુધી અમે ગુજરાત ને 3 ગેરંટી આપી છે, અમે કોઈ જુઠ્ઠા મેનીફેસ્ટો, જુઠ્ઠા સંકલ્પ પત્ર, જુઠ્ઠા ઘોષણાપત્ર નથી આપી રહ્યા, ગેરંટી આપી રહ્યા છે. જેનો મતલબ છે કે જો અમે અમારી ગેરંટી પુરી ના કરી શક્યા તો બીજી વખત તમે અમને વોટ ના આપતા. તો પહેલી ગેરંટી અમે વીજળી માટે આપી, કેમ કે અમે જોયું છે કે ગુજરાત માં લોકો વીજ બિલ થી ઘણા હેરાન છે. અહીંયા લોકો ને સમજાતુ નથી કે તે તેમના બાળકો ને પાળે કે વીજળી ના બિલ ભરે. અને અમે દિલ્હી અને પંજાબ માં વીજળી ફ્રી કરી ચુક્યા છે, હમણાં બે દિવસ પહેલા જ પંજાબ માં 25 લાખ પરિવારો ના વીજળી ના બિલ ઝીરો આવ્યા છે, અને આગળ 1 સપ્ટેમ્બર સુધી બીજા 26 લાખ પરિવારોના વીજ બિલ ઝરો જ આવશે મતલબ 51 લાખ પરોવારોના વીજ બિલ ઝીરો જ આવશે. દિલ્હીમાં વર્ષો થી લોકો ના વીજ બિલ ઝીરો આવી જ રહ્યા છે, જો ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બની તો ગુજરાત માં પણ લોકો ના વીજ બિલ ઝીરો આવશે. તેના માટે વીજળી મુદ્દે અમે 3 મુખ્ય ગેરંટી ઓ આપી છે કે, દર મહિને દરેક પરિવાર ના પછી ભલે એ જનરલ હોય, SC હોય, ઓબીસી હોય કે આદિવાસી હોય દરેક ગુજરાતી ને પ્રતિ માસ 300 યુનિટ વીજળી મફત મળશે, 24 કલાક પાવર કટ થયા વગર જ વીજળી મળશે અને 31 ડિસેમ્બર પહેલાના દરેક ના જુના વીજ બિલ માફ કરી દેવામાં આવશે.

ગુજરાતમાં બીજી મોટી ગેરંટી અમે રોજગાર પર કરી છે, ગુજરાત માં આજે દરેક યુવાન બેરોજગારી થી પરેશાન છે. ઓછું ભણેલા અને વધારે ભણેલા બધા જ બેરોજગાર ફરી રહ્યા છે. સરકારી નોકરી માટે અરજી કરે તો પેપર લીક થઇ જાય છે. દિલ્હી માં પાછલા 4-5 વર્ષો માં અમે 12 લાખ લોકોને રોજગાર અપાવ્યો છે. અમને રોજગાર આપતા આવડે છે અને અમારી નિયત પણ સાફ છે. એટલે જેમ અમે દિલ્હી માં રોજગાર આપ્યા એમ ગુજરાત માં પણ આપશું, કે ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બની તો ગુજરાત ના દરેક બેરોજગારને રોજગાર અપાવશું. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ને રોજગાર નથી મળી જતો ત્યાં સુધી દરેક બેરોજગારને પ્રતિમાસ 3000 રૂપિયા નું બેરોજગારી ભથ્થું આપશું. આવનારા 5 વર્ષમાં 10 લાખ સરકારી નોકરીઓ ની ભરતી બહાર પાડશું. પેપર લીક અટકાવવા માટે સખત કાયદો લાગુ કરવામાં આવશે. અને સહકારી ક્ષેત્ર માં લાગવક થી નહિ પણ સંપૂર્ણ પારદર્શિતા થી નોકરી આપવામાં આવશે.

ત્રીજી મોટી ગેરંટી અમે વેપારીઓ માટે આપી છે. કાલે જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો, તો જાણ થઇ કે વેપારીઓને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કે ખબરદાર જો કેજરીવાલ ની સભા માં ગયા તો! મારે બસ એટલું પૂછવું છે કે, હું કોઈ આતંકવાદી થોડી છું? તો મારી સભામાં આવવાથી કોઈને પણ કઈ તકલીફ હોય!! આ તદ્દન ખોટી વાત છે. એટલે અમે વેપારીઓનો ડર ખતમ કરીશું, તેમણે ભયમુક્ત વાતાવરણ આપીશું, અને તેમને ઇઝ્ઝત આપીશું જેના એ હકદાર છે. વેપારીઓનું દેશના વિકાસ માં ઘણું મોટું યોગદાન છે. ગુજરાતના ઘણા બધા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેમણે દેશનું નામ રોશન કર્યું છે. દિલ્હીમાં રેડ રાજ ખતમ થઇ ગયું છે, એમ ગુજરાત માં પણ રેડ રાજ ખતમ કરવામાં આવશે, અને વેપારીઓ પર ભરોસો કરવામાં આવશે, ભ્રષ્ટાચાર ખતમ કરવામાં આવશે. VAT ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા 6 મહિના માં ચુકતા કરી દઈશું અને GST ને સરળ બનાવશું. અને વેપારીઓ ને ગુજરાત ના વિકાસ માં ભાગીદાર બનાવીશું.

આજે આદિવાસી સમાજ એટલો પછાત એટલે રહી ગયો છે કેમ કે, શિક્ષણનો અભાવ છે. ગરીબ લોકો પોતાના બાળકોને ભણવા માટે સરકારી શાળામાં મોકલે છે, પરંતુ સરકારી શાળાઓ સારી છે નહિ, અને છે તો તૂટેલી પડી છે, ભણતર થતું નથી, એટલે આદિવસી સમાજ ના બાળકો ગરીબ રહી જાય છે, પછાત રહી જાય છે. દિલ્હી માં અમે શાનદાર સરકારી સ્કૂલો બનાવી છે, એટલે હું આદિવાસી સમાજ ના લોકો ને આશ્વાસન આપવા માંગુ છું કે, જેમ અમે દિલ્હી ની સ્કૂલો સારી કરી છે એમ દરેક આદિવાસી ગામમાં સારી સ્કૂલો બનાવીશું.

આદિવાસી સમાજમાં તેમના સ્વાસ્થ્ય માટે કોઈ સારી આરોગ્ય સુવિધા નથી. ખાનગી દવાખાના માં પૈસા ના લીધે ઈલાજ મોંઘો પડે છે, અને સરકારી હોસ્પિટલો માં તો ડિસ્પેન્સરી જ નથી. એટલે જેમ અમે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક ખોલ્યા છે, એમ દરેક આદિવાસી ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલીશું જેમાં દરેક ઈલાજ મફત હશે. દિલ્હીમાં આમિર હોય કે ગરીબ દરેક ને મફત આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે, મોટામાં મોટું ઓપરેશન મફત થાય છે, એવી જ વ્યવસ્થા આદિવાસી સમાજ માટે પણ કરશું મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખોલીને જેમાં દરેક ઈલાજ મફત હશે

જે આદિવાસી લોકો ખુબ જ ગરીબ છે, જેની પાસે રહેવા માટે ઘર નથી, તે લોકોને ઘર આપવામાં આવશે. અને દરેક ગામ માં રોડ રસ્તા બનાવવામાં આવશે. તેની સાથે જ જે બીજી ગેરંટીઓ દરેક સમાજ માટે જાહેર કરવામાં આવી છે, તે તેમના માટે પણ લાગુ કરવામાં આવશે.

મને ખબર મળી છે કે, આ લોકો એ ગુજરાત માં એક સર્વે કરાવ્યો છે. જેમાં લોકો ને પૂછવામાં આવ્યું છે કે, જેવું કેજરીવાલે કીધું એમ ફ્રી શિક્ષણ હોવું જોઈએ કે નહિ? એમાં 99% લોકો એ કહ્યું છે કે હા શિક્ષણ ફ્રી હોવું જોઈએ. પછી એ લોકો એ પૂછ્યું કે, ફ્રી ઈલાજ હોવો જોઈએ કે નહિ? એમાં 97% લોકો એ કહ્યું છે કે હા ઈલાજ પણ ફ્રી હોવું જોઈએ. પછી એમણે પૂછ્યું કે, વીજળી ફ્રી હોવી જોઈએ કે નહિ? એમાં 91% લોકો એ કહ્યું કે હા વીજળી ફ્રી હોવી જોઈએ. મતલબ આખું ગુજરાત આજે આમ આદમી પાર્ટી સાથે ઉભું છે. એમના સર્વે માં પણ એ જ આવી રહ્યું છે કે, જે ઘોષણાઓ અમે કરી રહ્યા છે તે ગુજરાતના લોકો ને પસંદ આવી રહી છે. આવનારી ચૂંટણી ફક્ત આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ થશે. ઘણા બધા કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ પણ ગયા છે, અને ઘણા બધા નેતા ચૂંટણી પહેલા ભાજપ માં જતા રહેશે, અને જે બચશે તે ચૂંટણી પછી જતા રહેશે. મતલબ ગુજરાત માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઇલુ ઇલુ ની રાજનીતિ ચાલી રહી છે. તે હવે બંધ થઇ જશે અને જનતા ની રાજનીતિ ચાલશે, જનતા ની રાજનીતિ ફક્ત આમ આદમી પાર્ટી જ કરે છે. આ ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હશે, એક તરફ 27 વર્ષ નું કુશાસન છે, ભ્રષ્ટાચાર છે, ઝેરી દારૂ છે, જ્યાં બધું જ ગડબડ છે અને એક તરફ એક નવી રાજનીતિ છે, નવા ચહેરા છે, નવા યુવા છે, એક નવી ઉમ્મીદ છે.

લોકો તો ઘણા ખુશ છે, અને લોકો ને ઘણી ઉમીદ છે આમ આદમી પાર્ટી થી, એટલે તે લોકો ડરી રહ્યા છે અને અમને દિલ્હી માં પણ હેરાન કરી રહ્યા છે. અમને વોટ આપશો તો હું તમારા બાળકનું ભવિષ્ય બનાવી દઈશ, અને જો એમને વોટ આપશો તો તમને ઝેરી દારૂ જ મળશે એટલે નક્કી તમારે જ કરવાનું છે. જો આમ આદમી પાર્ટી ની સરકાર બની તો ગુજરાત નો દરેક વ્યક્તિ મુખ્યમંત્રી હશે. અમે એક નવી ઉમ્મીદ લઈને આવ્યા છીએ, નવા પ્રકાર ની રાજનીતિ લઈને આવ્યા છીએ, અમારી પાર્ટી દેશની એવી પહેલી પાર્ટી છે જે ઈમાનદારી ની વાતો કરે છે. કોઈ બીજી પાર્ટીમાં એવું કહેવાની હિંમત જ નથી કે તે ઈમાનદાર છે. તે લોકો આટલા વર્ષ થી રાજ કરે છે અને આજ સુધી એક સારી સ્કૂલ પણ બનાવી નથી, અમે 5 વર્ષ માં સારી સ્કૂલ બનાવી દીધી તો તે કેમ ન બનાવી શકે? તે બનાવી શકતા હતા પણ તેમને ના બનાવી કેમ કે તેમની નિયત ખરાબ છે.

જો તમે તમારા બેંકમાંથી લીધેલી લોન ના ભરો તો શું સરકાર તમને બચાવે છે ? પણ આ લોકો એ તેમના મિત્રો નું 11 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે, અને હવે તે હજી વધારે દેવું માફ કરવા ઈચ્છે છે એટલે તેઓ કહે છે કે, શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી જેવી સુવિધાઓ મફત ના હોવી જોઈએ. હું આજે અહીંથી દેશના લોકો ને પૂછવા માગું છું કે, ફ્રી શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવું સાચું છે કે મિત્રોનું દેવું માફ કરવું સાચું છે? એક તપાસ થવી જોઈએ કે જેટલા પણ લોકો નું દેવું માફ થયું છે, તેમણે પાર્ટી માં કેટલું ફંડ આપ્યું છે? તેમણે કંઈ કર્યું છે કે ફક્ત એમ જ દેવું માફ કરી દેવામાં આવ્યું છે. કોઈ પાર્ટી કે નેતા થી મારો વિરોધ નથી, હું જનતા માટે કામ કરું છું. આપણે એક બીજાથી હંમેશા શીખવું જોઈએ, તો જ દેશ આગળ વધશે, એકબીજા સાથે લડવાથી નહિ.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સ માં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી સહીત BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવા,આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News