સુરેન્દ્રનગર: ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન કરતા 13 ખાનગી વાહનોને ચોટીલા પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ચોટીલા હાઇવે પર અનેક વાહનો ગેરકાયદે ધમધમતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. જે બાદ ચોટીલા પોલીસ અને એસટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને જસદણ તરફ જતા વાહનોનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે 13 વાહનો મુસાફરોની છેડતી કરતા ઝડપાયા હતા. આથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જો કે તંત્રની મિલીભગતના કારણે જિલ્લાના માર્ગો પર શટલ વાહનોનો કાફલો ફાટ્યો છે અને એસટી બસના રૂટને સમાંતર ગેરકાયદેસર રીતે વાહનો ચલાવવામાં આવી રહ્યા છે. આવા વાહનોના ચાલકો મુસાફરોને ઘેટા બકરાની જેમ બેદરકારીથી ચલાવે છે અને લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને મુસાફરી કરે છે અને અકસ્માતનો ભોગ બને છે.