ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલીમાં સેંકડો લોકો જોડાતા હતા. તે છતાં પ્રદેશ પક્ષ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને યેસુદાન ગઢવી જેવા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જો રાજકીય નિષ્ણાતોનું માનીએ તો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે આગામી લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ફરી સક્રિય થઈ ગઈ છે. સંગઠનને મજબૂત કરવા અને આગળના કાર્યક્રમો માટે આજે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.
AAPએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યા છે. કેજરીવાલે એક સમયે ગુજરાતમાં સત્તા પરિવર્તનનું સપનું જોયું હતું અને જાહેર મંચ પરથી અનેક બાંહેધરી આપી હતી, પરંતુ આ ચૂંટણીમાં તેની કોઈ અસર જોવા મળી નથી. પરંતુ હવે પાર્ટીએ ફરીથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ તેઓ લડશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આજે મળેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી હતી. તેમજ સંગઠનને મજબુત બનાવવા શું કરવું જોઈએ તેની માહિતી લીધી હતી. આમ આદમી પાર્ટીના રાજ્ય અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું કે આ બેઠક આમ આદમી પાર્ટીના વધુ કાર્યક્રમોની યોજના બનાવવા અને સંગઠનને મજબૂત કરવા માટે યોજવામાં આવી હતી. તેમણે ટ્વિટર પર મીટિંગની કેટલીક તસવીરો પણ ટ્વીટ કરી છે.
આમ આદમી પાર્ટીના આગળના કાર્યક્રમો તેમજ સંગઠનમાં વધુ મજબૂતી લાવવાના આયોજન સંદર્ભે મિટિંગ મળી.. pic.twitter.com/wVbaJJAlOp
— Gopal Italia (@Gopal_Italia) January 3, 2023
ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવ્યો
હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ વિસાવદર, ગારિયાધાર, જામજોધપુર, બોટાદ અને દેડિયાપાડા બેઠકો જીતી છે. દેડિયાપાડા બેઠક પરથી જીતેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્ય તરીકે એક પછી એક મુદ્દા ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેમણે તંત્રને પાણી અને વીજળી સહિતના અન્ય પ્રશ્નો અંગે લોકોને સજાગ કરીને સુવિધા આપવા જણાવ્યું છે.