ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની હત્યા કરવા માટે પાકિસ્તાનથી એક ઘૂસણખોર ભારત પહોંચ્યો હતો. તાજેતરમાં જ રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો દ્વારા 24 વર્ષીય પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિની ઓળખ રિઝવાન અશરફ તરીકે થઈ હતી. તે સમયે એવી માહિતી પણ મળી હતી કે આ વ્યક્તિ હિંદુમલકોટ સેક્ટરમાં ખાખાન ચેકપોસ્ટથી દેશની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પાકિસ્તાનના પંજાબના મંડી બહાઉદ્દીનના રહેવાસી અશરફ વિશે હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
અશરફના ભારતમાં પ્રવેશ પાછળનો ઈરાદો અત્યંત જોખમી હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BSFની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ઘૂસણખોર સસ્પેન્ડેડ બીજેપી નેતા નુપુર શર્માની હત્યા કરવા માગતો હતો. નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ વિશેના નિવેદનથી અશરફને દુઃખ થયું હતું. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતમાં પ્રવેશ્યા બાદ અશરફ શ્રી ગંગાનગરથી અજમેર દરગાહ જવા માંગતો હતો. અહીં ‘ચાદર’ અર્પણ કર્યા બાદ તેણે નૂપુર શર્માને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. 8મા ધોરણ સુધી ભણેલા અશરફ ઉર્દૂ, પંજાબી અને હિન્દી ભાષા જાણે છે. જો કે તેની પાસેથી કોઈ હથિયારો મળ્યા નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નુપુર શર્માના નિવેદન બાદ પાકિસ્તાનમાં મૌલવીઓ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. આ મીટિંગમાં અશરફ રિઝવાન પણ હાજર રહ્યો હતો. આ મીટિંગ પછી જ તેણે નુપુર શર્માને મારવાનો ઈરાદો બનાવી લીધો હતો. જો કે હવે સીમા સુરક્ષા દળના જવાનો ઘુસણખોરની વધુ પૂછપરછ કરી રહ્યા છે. જે બાદ હવે ઘણા વધુ ખુલાસા થઈ શકે છે.